સહિયારા પ્રયાસે બનાવ્‍યું આંબા ગામનું વન ફરી હરિયાળું

 

ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા વલસાડ વન વર્તુળ સાથે સંકલિત પ્રયાસો દ્વારા ધરમપુર તાલુકાના આંબા ગામના પર્વતીય વનના નુકસાન પામેલા પરિસરતંત્રને નાવીન્‍યરૂપ અને ઓછી ખર્ચાળ તકનીકના ઉપયોગ દ્વારા પુનઃસ્‍થાપિત કરવા ઉપરાંત સ્‍થાનિક આદિવાસી સમુદાયોની આજીવીકા વધારવા તેમજ તેઓને વન સંરક્ષણના પ્રયાસોમાં સક્રિય કરી જંગલને લાંબાગાળા સુધી ટકાવી રાખવાના ઉદ્દેશથી એક મોડેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે.

Image   Image

વલસાડ જિલ્‍લાના ધરમપુર તાલુકાનું આંબા ગામ. ગામનું ડુંગરાળ વન સહયાદ્રી પર્વતમાળાનો અગ્નિ દિશાનો એક ભાગ છે. ગામના લોકોની આજીવીકાનો મુખ્‍ય આધાર ખેતી. ગામના વનમાંથી બળતણ માટે સૂકા લાકડા, પશુઓ માટે ઘાસચારો તથા વનમાં થતી પેદાશો ગામ લોકોના જીવન જરૂરિયાત માટે ઉપયોગી સાબિત થતી. સુંદર ડુંગરોથી છવાયેલું વન, ગામ લોકોના જીવનનું અભિન્‍ન અંગ હતું.

પરંતુ વન જે જીવન નિર્વાહનો એક અગત્‍યનું સાધન પણ હતું તેને વધુ પડતા ઉપયોગના કારણે ઘસાતુ ચાલ્‍યું અને તેના લીધે સાગના વૃક્ષો, વાંસ, કારૂકડો, અરડુસા, સીમળા, કડાયો, કરમદા વગેરે પ્રકારની જૂજ વનસ્‍પતિ કાળક્રમે ઓછી થતી ગઈ. ૪૫ ડીગ્રી સુધીનો ઢાળ ધરાવતા આ વિસ્‍તારમાં લાલ મોરમ પ્રકારની જમીન છે જેને વનરાજી વચ્‍ચે ખેતી વિસ્‍તાર આવેલ છે. વૃક્ષોનું વધારે પડતું છેદન અને પશુઓના ખુલ્‍લામાં થતી ચરિયાણથી આંબા ગામનું વન જાણે કે ઈતિહાસ બની જવાના આરે આવીને ઊભું હતું.

આવી વિકટ પરિસ્‍થતિને ધ્‍યાને લઈ વલસાડ વન વર્તુળ હેઠળ કાર્યરત વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા આંબા ગામના વનને બચાવવા અનેકવિધ પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા જે પૈકી ગામની સહભાગી વન વ્‍યવસ્‍થા મંડળીને સક્રિય કરી. તેની સક્રિયતા થકી વનો થતો વિનાશ અટકાવવો એ મુખ્‍ય હેતુ હતો પરંતુ ભૂતકાળમાં જે નુકશાન થયું હતું તે ભરપાઈ કરવા માટે હજુ ઘણું કામ બાકી હતું.

ગુજરાત ઈકોલોજી કમિશને આંબા ગામના અનન્‍ય વનને પુનઃસ્‍થાપિત કરવા માટેની વલસાડ વન વર્તુળની દરખાસ્‍ત સ્‍વીકારી અને રૂા. ૪૯.૬૭ લાખની યોજનાને આ વિસ્‍તારના પરિસરને પુનઃસ્‍થાપિત કરવા મોડેલ પ્રોજેક્ટ તરીકે મંજૂરી આપી હતી. યોજનામાં આગોતરા કામો જેમકે મહુડા, કડાયા, કુસુમ, સીસમ વગેરે જેવા ૬૨૫૦૦ રોપાઓની નર્સરી તૈયાર કરવી, ભેજ સંગ્રહ શક્તિ સંગ્રહવા માટે હીલટોપ ટેન્‍ક તૈયાર કરવાની કામગીરીને પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું. નર્સરીમાં ઉછરાયેલ રોપાઓનું વાવેતર કરવા આ વનમાં ૪૬૯૦૦ ખાડાઓ, કટબેક, કન્‍ટુરટેંચ તથા ૧ કિમીનું ફેન્‍સીંગ પણ કરવામાં આવ્‍યું.

ખાડાઓ તૈયાર કરવાથી લઈને વાવેતર સુધી દોઢ મહિનો ચાલેલી કઠીન કામગીરીમાં સહભાગી વનવ્‍યવસ્‍થા મંડળી દ્વારા આંબા ગામ અને તેની આસપાસના ગામના ૧૫૦ ગામલોકોને સાંકળવામાં આવેલ. ગામ સમુદાયોને તેના કારણે આજીવીકા પણ મળી રહી હતી. એન્ટ્રી પોઈન્‍ટ એક્ટીવીટી તરીકે આ વનની આસપાસના ખેડુતોની જમીનમાં ઉછેરવા માટે ૨૦૦૦૦ આંબાની નુતન કલમોનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.

યોજના અંતર્ગત આંબા ગામમાં પસંદ કરેલ ૧૦૦ હેક્ટરમાં કરવામાં આવેલ વાવેતરમાં નર્સરીમાં અગાઉથી ઉછેરેલા રોપાઓ રોપવામાં આવેલ. કન્‍ટુર ટ્રેન્‍ચના પાળા પર કાજુ, ખાખરા તથા ખેરના બીજનું વાવેતર કરવામાં આવેલ. વધારામાં સતાવરીના ૧૦૦૦ રોપાનું મોટા વૃક્ષો પાસે વાવેતર કરવામાં આવેલ.

માત્ર પ્‍લાન્‍ટેશન કરવાથી અટકી ના જતા વન વિભાગે આદિવાસી સમુદાય સાથે રહી આંબા તથા આસપાસના ગામોની વનવિકાસ વ્‍યવસ્‍થા મંડળીના સભ્‍યોને વનનો જરૂરત મુજબ ઉપયોગ કરવા, પશુઓને ચરવા માટે વનમાં છૂટા ના મૂકવા, બળતણ માટે માત્ર સૂકું લાકડું જ વીણવું તથા હિસાબી બાબતોની જાળવણી અંગે વિવિધ તાલીમો દ્વારા સ્‍થાનિક સમુદાયોનું ક્ષમતાવર્ધન પણ કરેલ છે.

પ્‍લાન્‍ટેશનની કામગીરી બાદના એક વર્ષના સમયગાળામાં લોકોની જાગૃતતા, વન વિભાગનું નિયમિત નિરીક્ષણ અને કાળજીના કારણે છોડોનો સારો વિકાસ થયેલો જોવા મળે છે. તદઉપરાંત પશુઓના ચરિયાણના કારણે થતું નુકશાન પણ અટક્યું છે. ટેકરીઓ ઉપર બનાવેલ પાણી સંગ્રહની નાની તલાવડીઓના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ પણ ચોમાસા બાદ પણ લાંબા સમય સુધી રહે છે જેને કારણે છોડોને જરૂરી પોષણ મળી રહે છે. લોકોમાં આવેલી જાગૃતતાના કારણે વનમાંથી માત્ર સૂકા લાકડા વીણવામાં આવે છે અને હવે લોકો વનને વધુ માન આપતા થયા છે.

આંબા ગામના વનને પુનઃસ્‍થાપિત કરવાના પ્રયત્‍નો વિશે વાત કરતા ગુજરાત ઈકોલોજી કમિશનના સભ્‍ય સચિવ ડો. એ. કે. વર્મા જણાવે છે કે, “માત્ર પ્‍લાન્‍ટેશન કરીને ક્યારેય નુકશાન પામેલા વનને પુનઃસ્‍થાપિત નથી શકાતું. તે બાબતને ધ્‍યાને લઈ આ યોજનામાં નવતર પહેલના ભાગરૂપે સ્‍થાનિક સમુદાયિક સંગઠન, વન વિભાગ અને ઇકોલોજી અને જૈવવિવિધતા સંરક્ષણ અને વ્‍યવસ્‍થાપન ક્ષેત્રના નિષ્‍ણાતને સાંકળવામાં આવ્‍યા છે. વિષય નિષ્‍ણાત પ્રથમ માસે આંબા ગામના આ વન વિસ્‍તારની રૂબરૂ મુલાકાત લઈ વૈજ્ઞાનિક અભિગમ અને સ્‍થાનિક કોઠાસૂઝનો સમન્‍વય કરીને રોપઓની વધુ કેવી રીતે જાળવણી કરી શકાય, નવા કયા પ્રકારના રોપા તૈયાર કરી શકાય તે બાબતે સ્‍થાનિક સમુદાયિક સંગઠનો, વન વિભાગના કર્માચારીઓ તથા અધિકારીઓ સાથે ચર્ચા તથા સૂચનો આપે છે. આ નાવિન્‍ય પહલ દ્વારા એવી પરિસ્‍થિતિ તૈયાર કરવાનો ઉદ્દેશ છે કે જેના દ્વારા સ્‍થાનિક પરિસરતંત્ર તેની કુદરતી વિકાસ પુનઃપ્રાપ્‍ત કરે, વૃક્ષો, છોડ ઉપરાંત વન્‍યજીવોને પણ પર્યાપ્‍ત પોષણ મળી રહે તેવા વાતાવરણનું નિર્માણ થાય અને આ તમામ પ્રક્રિયામાં સ્‍થાનિક સમુદાયોની સહભાગીતા હોય જેથી તેમને આજીવિકા પણ વધારો થાય.”

આંબા ગામના લોકોનું પોતાના વન અને તેના દ્વારા મળતા કુદરતી સંશાધનો પ્રત્‍યે વધુ જાગૃતતા તથા વનને નુકશાનકર્તા પરિબળોને અટકાવવામાં સક્રિય ભાગીદારીના કારણે વનનો વિકાસ થઈ રહ્યો છે. વન વિભાગના સ્‍થાનિક કર્મચારીઓ દ્વારા ગામ લોકોનો સાથ લઈ કરાયેલી આ સહિયારી કામગીરીના કારણે કુદરતની બક્ષીસ સમાન આંબા ગામનું વન સમગ્ર રાજ્ય માટે ચોક્કસ પથદર્શક સાબિત થશે.

ImageImageImage

 

Advertisements