Tags

, , , , , , , , , , , , ,

કચ્‍છના અખાતના ત્રણ જિલ્‍લાઓમાં અમલીકૃત સંકલિત દરિયાકાંઠા વિસ્‍તાર વ્‍યવસ્‍થાપન પરિયોજના અંતર્ગત દરિયાકાંઠે વસતા ગામલોકોની આજીવીકાના પ્રશ્નોને ધ્‍યાને લઈ ગુજરાત ઈકોલોજી કમીશન દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પશુપાલન અને દૂધના વ્‍યવસાય સાથે સંકળાયેલા સમુદાયોને દૂધ મંડળી રચવા માટે જરૂરી જાગૃતિ, ક્ષમતાવર્ધન, આર્થિક સહયોગ ઉપરાંત માર્કેટ સાથેના જોડાણ માટેની મહત્‍વની કામગીરી ગુજરાત ઈકોલોજી કમીશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

  ImageImage

કચ્‍છ જિલ્‍લાના અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠે વસેલા ગામ સમુદાયોનું જીવન  હાડમારીથી ભરેલું છે. ભૌગોલીક પરિસ્‍થિતિના કારણે આજીવીકાના સ્‍ત્રોત ખૂબ જ સીમિત છે. ઉપજાઉ જમીન ઓછી અને જમીન હોય તેમાં પણ ખારાશના કારણે મર્યાદિત પાક જ લઈ શકાય. મોટેભાગે પશુપાલન સાથે સંકળાયેલા આ સમુદાયોને અન્‍ય વ્‍યવસ્‍થાના અભાવે દૂધના પોષણક્ષમ ભાવો પણ મળવા મુશ્‍કેલ હતા. આ કારણે માલધારીઓને પોતાના કુટુંબ અને પશુઓનું જીવન ટકાવી રાખવા દર વર્ષે પોતાનું ઘર અને ગામ છોડી ઘાસવાળા વિસ્‍તારોમાં અસ્‍થાઈ સ્‍થળાંતર કરવું એ જાણે કે પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરા થઈ ગઈ હતી.

સ્‍થળાંતરની આ અગવડતાભરી પરંપરા તોડવા માટે અગત્‍યની ભૂમિકા ભજવી ગુજરાત ઈકોલોજી કમીશને. ગુજરાત ઈકોલોજી કમીશન, ગાંધીનગર દ્વારા અમલીકૃત તથા વિશ્વ બેંક પુરસ્‍કૃત ‘સંકલિત દરિયાકાંઠા વિસ્‍તાર વ્‍યવસ્‍થાપન પરિયોજના’ (આઈ.સી.ઝેડ.એમ. પ્રોજેક્ટ) અંતર્ગત કચ્‍છના અખાતના દરિયાકાંઠા વિસ્‍તારમાં વસેલા ગામોમાં આર્થિક અને સામાજીક વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત ઈકોલોજી કમીશનના સભ્‍ય સચિવ ડો. એ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ પશુપાલન કરતા અને તેના પર નભતા માલધારીઓના વિકાસ માટે દૂધ ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવો મળે અને પશુપાલન ક્ષેત્રે જાગૃતિ લાવવાના હેતુથી શ્રી કચ્‍છ જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડ ‘સરહદ ડેરી’ સાથે સંકલિત પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ. આ સંકલનના પરિણામ સ્‍વરૂપે પ્રોજેક્ટ કાર્યક્ષેત્ર પૈકીના પાંચ ગામો વાલાવારીવાંઢ, અંધારવાંઢ, ખીરસરા, ભંગોડી અને ગુનાઉમાં પશુપાલન અને દૂધ સાથે સંકળાયેલા સમુદાયો સાથે ચર્ચા કરવામાં આવી અને તેઓની સહમતિ અને જાગૃતતાના આધારે ગામમાં દૂધ એકત્રીકરણ કેન્દ્રની શરૂઆત કરવાનું ઠરાવવામાં આવ્‍યું.

આ માટે પ્રત્‍યેક ગામની દરિયાકાંઠા વિસ્‍તાર વિકાસ સમિતિઓના નામે દૂધ મંડળીની રચના કરવામાં આવી અને ડેરી સાથે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી. દૂધ એકત્રીકરણ કેન્દ્ર માટે સૌથી અગત્‍યની બાબત હતી સાધનસામગ્રી વસાવવી જેમાં ઓટોમાઈઝ્ડ મિલ્‍ક કલેક્શન મશીન જેમાં ફેટ માપવું, દૂધનું વજન કરવું, કોમ્‍પુટરાઈઝ્ડ ડેટા એકઠા કરવા જેનો ખર્ચ રૂા. ૧,૨૮,૪૫૦ અંદાજવામાં આવેલ જે પૈકી મંડળી દ્વારા ઉપાડવાનો થતો ખર્ચ રૂા. ૫૮,૪૫૦ થતો હતો. તમામ પાંચેય દૂધ મંડળીઓની આર્થિક સદ્ધરતા ન હોવાના કારણે તેઓ આ રકમ ભરવા અસક્ષમ હતા તેથી તેઓએ ગુજરાત ઈકોલોજી કમીશન તરફ સહાયનો હાથ લંબાવ્‍યો. જી.ઈ.સીના અધિકારીઓએ દરિયાકિનારે વસતા આ સમુદાયો માટે આજીવીકાના એકમાત્ર વિકલ્‍પ સ્‍વરૂપે દૂધ એકત્રીકરણની કામગીરીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી પાંચેય મંડળીઓને સહાય કરવામાં આવી. સરહદ ડેરી દ્વારા નિયમ મુજબ રૂ. ૭૦,૦૦૦ની સબસીડી ફાળવવામાં આવેલ.

ગામ મંડળીના સભ્‍યોને દૂધના સેમ્‍પલથી શરૂ કરીને તેમાં રહેલ ફેટની ચકાસણી, દૂધ એકત્ર કરવું, દરેક સભ્‍યની કોમ્પ્‍યુટરાઈઝ્ડ એન્ટ્રી લેવી, રોજેરોજના હિસાબ રાખવા તથા દૂધ શીતકેન્દ્ર સુધી પહોંચે ત્‍યાં સુધીનું સંકલન તથા કામગીરી કરવા અંગેની તાલીમો આપવામાં આવી. તમામ પાંચ ગામોમાં નવેમ્‍બર ૨૦૧૩થી દૂધ એકત્રીકરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી.

અબડાસા તાલુકાના વાલાવારીવાંઢ ગામના દરેક પરિવારે દૂધ પોતાની મેળે જ નજીકના દૂધ લેતા વેપારીઓ પાસે પહોંચાડવું પડતું હતું. આવવા-જવાના ખર્ચ પોતાને ઉપાડવા છતાંય તેઓને લિટરે માંડ ૨૫ રૂપિયા મળતા હતા. ચોમાસા દરમિયાન દૂધ આપવા જવું ઘણું જ કપરું થઈ જતું. જે વેપારીને દૂધ નિયમિત આપતા હોય તેને જોઈએ તેટલું જ દૂધ તે વેપારી લેતા જેથી દૂધ વધુ હોવા છતાંય તેને વેચી શકાતું નહીં. જત અલીભાઈ કે જેઓ દૂધ એકત્રીકરણની મુખ્‍ય જવાબદારી સંભાળે છે તેઓએ જણાવ્‍યું કે, “ગામમાં ડેરી શરૂ થયા પછી દૂધ આપવા જવાની મુશ્‍કેલી દૂર થઈ ગઈ. હવે તો સવાર-સાંજ દૂધ એકઠું કરવા વાહન આવી જ જાય. હિસાબ પણ એકદમ પારદર્શક હોવાથી વધુને વધુ સભ્‍યો દૂધ મંડળીમાં જોડાતા જાય છે.” પશુઓની સંભાળથી માંડી દૂધ દોહવું અને તેને ડેરી સુધી પહોંચાડવાની મુખ્‍ય ભૂમિકા દરેક ઘરે સ્‍ત્રીઓ જ ઉપાડતી હોય છે. વાલાવારીવાંઢ ગામના સક્રિય મહિલા સભ્‍ય હાજીયાણી રોમતબાઈએ ગામમાં ડેરી બનવાથી આવેલા ફેરફાર વિશે જણાવતા કહ્યું કે, “પહેલા તો દૂધ વધુ આવ્‍યું હોય તો પણ વેપારીને તેને ખપ પૂરતું જ દૂધ લેતો જેના કારણે દૂધ વધી પડતું અને ખરાબ થઈ જતું. ડેરી આવ્‍યા પછી અમે ઘર પૂરતું જરૂરી દૂધ રાખી બધું જ દૂધ ડેરીમાં ભરાવી દઈએ છીએ એટલે અમારું નુકશાન થતું પણ અટક્યું છે.”

લખપત તાલુકાનું અંધારવાંઢ ગામ પીપર જૂથ પંચાયતનું પૈકીનું એક ગામ છે જે પીપરથી બે કિમી અંતરે વસેલું છે. નવેમ્‍બર ૨૦૧૩થી દૂધ મંડળી કાર્યરત થઈ તે પહેલાં ગામના પશુપાલકોને દૂધના લિટરે ૨૦ થી ૨૨ રૂપિયા મળતા હતા. અંધારવાંઢ દૂધ મંડળની મંત્રી કાળુભાઈ દૂધ મંડળી બન્‍યા બાદ ઊભી થયેલી પરિસ્‍થિત વર્ણવતા જણાવે છે કે, “ દૂધ મંડળી શરૂ કરી ત્‍યારે ગામની દૂધ મંડળી સારી કામગીરી કરી શકશે કે કેમ એની શંકા હતી. મંડળીની સારી કામગીરી અને સભ્‍યોને થતી નિયમિત આવક જોઈને હવે મંડળીમાં ન જોડાયેલા સભ્‍યો પણ સજાગ થયા છે અને શક્ય હોય તેટલી વહેલી તકે વેપારીઓ પાસે જૂના હિસાબો પૂરા કરી મંડળીમાં સક્રિય થવા તત્‍પરતા દર્શાવી છે.”

  Valavarivandh Milk Collection Centre

લખપત તાલુકાનું ખીરસરા ગામ પીપર જૂથ પંચાયતમાં આવેલું ગામ છે. ગામોલોકોના વ્‍યવસાયમાં પશુપાલન, ચોમાસુ ખેતી અને પગડીયા માછીમારી મુખ્‍ય છે. દૂધ મંડળી બન્‍યા પહેલા દૂધના લિટરે ૨૦થી ૨૨ રૂપિયા મળતા હતા. હાલ ફેટના આધારે ૨૬થી ૩૫ રૂપિયા લિટરે મળે છે. મહંમદ હસન જેઓ દૂધ મંડળીની જવાબદારી સંભાળે છે તેઓ પોતાના અનુભવ વિશે જણાવે છે કે, “દૂધ મંડળી થયા પછી અમને દૂધનો બજારભાવ મળતો થયો છે. દૂધ મંડળીથી થતી આવકને જોતા ગામના વધુ સભ્‍યો મંડળી સાથે જોડાતા જાય છે.”

અબડાસા તાલુકાના ભંગોડી ગામમાં દૂધ મંડળી શરૂ કર્યા પહેલા ગામલોકોને દૂધના પ્રતિ લિટરે ૨૦ રૂપિયા સુધી મળતા હતા. મંડળી બન્‍યા બાદ ૩૧ રૂપિયા સુધી પ્રતિ લિટર દૂધના ભાવ મળતા થયા છે. દૂધ મંડળીનું સંચાલન કરતા સલેમાનભાઈ જણાવે છે કે, “દૂધની વધુ આવક થવાથી ખાણદાણનો પ્રશ્ન હલ થશે અને વધુ સારો ખોરાક અમારા પશુઓને આપી શકીશું જેથી દૂધના ફેટમાં પણ વધારો થશે. માલધારીઓને લાગે છે કે ગામમાં દૂધ મંડળી આવવાથી ૧૦૦ ટકા ફાયદો થયો છે.”

લખપત તાલુકાના ગુનાઉ ગામમાં ભેંસોની સંખ્‍યા ૨૫૦ જેટલી છે. દૂધનો એક વેપારી ગામમાંથી પ્રતિ લિટર ૨૫ રૂપિયે દૂધ લઈ જઈ દોલતપર જ્યાં ચીલીંગ સેન્‍ટર છે ત્‍યાં પહોંચાડતો હતો. પરંતુ ડેરી શરૂ થયા પછી મંડળીના સભ્‍યોને ફેટના આધારે ૨૭ થી ૩૨ રૂપિયા પ્રતિ લિટરનો ભાવ મળે છે. દૂધ મંડળીના સભ્‍યોએ એવો મત વ્‍યક્ત કર્યો કે, પહેલા પશુ બહુ બિમાર પડે તો દૂરથી ડોક્ટરને બોલાવવા પડતા. હવે સરહદ ડેરી દ્વારા પશુઓની નિયમિત ડોક્ટરી તપાસ થશે અને જરૂરી રસીઓ આપવામાં આવશે તો પશુઓને બિમારી ઓછી લાગશે અને આમ દૂધની ગુણવત્તા પણ સુધરશે.

ક્રમ

દૂધ મંડળીનું નામ

માસિક સરેરાશ દૂધ એકત્રીકરણ (લીટરમાં)

સરેરાશ માસિક આવક

સભ્‍યોની સંખ્‍યા

સભ્‍ય દીઠ થતી સરેરાશ માસિક આવક

વાલાવારીવાંઢ

૬૩૫૦

૨૧૭૭૦૦

૧૫

૧૪૫૧૩

અંધારવાંઢ

૪૭૮૦

૧૩૭૪૦૦

૧૧

૧૨૪૯૦

ખીરસરા

૨૪૫૦

૭૧૯૦૩

૧૧૯૮૩

ભંગોડી

૪૮૩૦

૧૪૭૮૮૧

૧૮

૮૨૧૬

ગુનાઉ

૨૬૪૦

૭૪૧૦૦

૧૧

૬૭૩૬

કચ્‍છના અખાત દરિયાકાંઠા વિસ્‍તારના ગામોમાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સરહદ ડેરી સાથે સંકલન વિશે વાત કરતા જી.ઈ.સી.ના સભ્‍ય સચિવ ડો. એ. કે. વર્મા જણાવે છે કે, “આ વિસ્‍તારમાં  વસતા ગામ લોકોને પડતી મુશ્‍કેલીઓને ધ્‍યાનમાં લઈને સરહદ ડેરી સાથે સંકલન કરવામાં આવ્‍યું જેનાથી માલધારીઓને પોષકક્ષમ ભાવો મળી રહે છે. આમ તેઓની રોજગારીમાં વધારો, પશુઓને પણ પૂરતું ખાણદાણ તથા  ડોક્ટરી સુવિધા મળી રહેશે. દૂધનો બગાડ પણ ઓછો થશે જેનાથી તેમના જીવન ધોરણમાં પણ ચોક્કસપણે પરિવર્તન આવશે અને દર વર્ષે આ વિસ્‍તારમાંથી થતું સ્‍થળાંતર અટકાવવામાં પણ આ પ્રવૃત્તિ મદદરૂપ થશે.”

Meeting with Samiti members at Andharvandh

Computerized Milk Collection

આ પાંચ ગામો વિકાસના જે નવીન પથ પર ચાલી પોતાની આજીવીકાની મુશ્‍કેલી દૂર કરી રહ્યા છે તેનાથી પ્રભાવિત થઈને વિસ્‍તારના બીજા ગામો પણ જોડાવા તત્‍પરતા દર્શાવી છે. જેને ધ્‍યાનમાં લઈ ગુજરાત ઈકોલોજી કમીશન જરૂરી સંકલન, મંજૂરી, માર્ગદર્શન તથા ક્ષમતાવર્ધનની કામગીરીમાં કાર્યરત છે.

Advertisements