Tags

, , , , , , , , , , , , , ,

Image

વિશ્વ જલપ્‍લાવિત વિસ્‍તાર દિવસ’ (વર્લ્‍ડ વેટલેન્‍ડ ડે) દર વર્ષે ર ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ની થીમ ‘ખેતી માટે જલપ્‍લાવિત વિસ્‍તાર’ નક્કી કરવામાં આવી છે. આ થીમને ધ્‍યાને રાખીને ગુજરાત ઈકોલોજી કમીશન દ્વારા ‘ટકાઉ જલપ્‍લાવિત વિસ્‍તાર વ્‍યવસ્‍થાપન’ પર ૨૯૧૫ લોકસમુદાયોના સભ્‍યોનું ક્ષમતાવર્ધન કરવામાં આવ્‍યું.

ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્‍તારમાંથી ૧૭.૫૬ ટકા વિસ્‍તારમાં જલપ્‍લાવિત વિસ્‍તાર ફેલાયેલો છે. આ જલપ્‍લાવિત વિસ્‍તારોની આસપાસમાં જ મોટી સંખ્યામાં માનવ સભ્‍યતા સ્‍થાઈ થઈ છે અને વિકસી છે. કુદરતી કે માનવ સર્જિત જળપ્‍લાવિત વિસ્‍તારો દ્વારા વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય, આર્થિક અને સામાજિક લાભો થાય છે. ગુજરાત રાજ્યમાં આશરે ૨૩૯૦૦ જલપ્‍લાવિત વિસ્‍તારો આવેલા છે જેમાં દરિયાકાંઠા, અંતરિયાળ કે નાના જલપ્‍લાવિત વિસ્‍તારનો સમાવેશ થાય છે. જલપ્‍લાવિત વિસ્‍તારોમાં જેમનો સમાવેશ થાય છે તેવા તળાવ કે સરોવર રાજ્યના અનેક ગામો અને શહેરોની શોભા વધારી રહ્યા છે. જલપ્‍લાવિત વિસ્‍તારો દ્વારા અનેક લાભો થાય છે જેમાં મત્‍સ્‍ય ઉછેર ઉપરાંત છોડ, પ્રાણીઓ અને સૂક્ષ્‍મજીવો માટે વસવાટ માટે આશ્રયસ્‍થાન પણ મળી રહે છે. તેના દ્વારા પ્રવાસનની વિપુલ તકો પણ ઊભી થાય છે સાથોસાથ દુષ્‍કાળ અને પૂર જેવી કપરી પરિસ્‍થિતિમાં ઢાલ તરીકે કામ કરે છે. જલપ્‍લાવિત વિસ્‍તારના કારણે અનેક લાભ મળતા હોવા છતાંય તેના સંરક્ષણ અને સંચાલનમાં દુર્લક્ષ્‍ય સેવવામાં આવ્‍યું છે. આ સુંદર જલપ્‍લાવિત વિસ્‍તારોને ટકાવી રાખવા માટે વહિવટકર્તાઓ અને લોકસમુદાયો વચ્‍ચે સંકલન અને સમન્‍વય કરવું ખૂબ જ મહત્‍વનું છે.

જલપ્‍લાવિત વિસ્‍તારથી થતા ફાયદાઃજૈવિક વિવિધતા જળવાય

તાપમાનમાં ઘટાડો થાય

ભૂગર્ભ જળ રિચાર્જ થાય

પરિસરતંત્ર જળવાય

આ તમામ અગત્‍યના પાસાઓને ધ્‍યાને લઈને ગુજરાત ઈકોલોજી કમીશન (જીઈસી) દ્વારા લોકસમુદાયોને  જલપ્‍લાવિત વિસ્‍તારોના વ્‍યવસ્‍થાપન અંગે જાગૃત કરવાના ઉદ્દેશથી એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. ગુજરાતના ૨૦૦ ગામો કે જે જલપ્‍લાવિત વિસ્‍તારની આસપાસ વસેલા છે તે ગામોના લોકસમુદાયોમાં જલપ્‍લાવિત વિસ્‍તારના પ્રકાર, તેની અગત્‍યતા તથા તેના વ્‍યવસ્‍થાપન અંગે વિગતે જાગૃતી લાવવાનો પ્રયત્‍ન આ અભિયાન થકી થઈ રહ્યો છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસતા જનસમુદાયને ધ્‍યાનમાં રાખીને જ જલપ્‍લાવિત વિસ્‍તાર વ્‍યવસ્‍થાપન અંગેની તાલીમ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જાન્‍યુઆરી ૨૦૧૪થી શરૂ કરવામાં આવેલી આ અભિયાન થકી આણંદ, મહેસાણા, ખેડા અને બનાસકાંઠા જિલ્‍લામાં કુલ ૪૨ તાલીમો આયોજીત કરવામાં આવી છે જેમાં ૫૦ ગામના સભ્‍યોએ ભાગ લીધો હતો. આગામી મહિનાઓમાં રાજ્યના અન્‍ય વિસ્‍તારોમાં પણ તાલીમો આયોજીત કરવામાં આવશે.

Image

આયોજીત તાલીમોમાં ગ્રામ પંચાયતના સભ્‍યો, સ્‍થાનિક આગેવાનો, સ્‍વસહાય જૂથના સભ્‍યો, મહિલાઓ તથા ગામના વડિલો સક્રિયપણે ભાગ લે છે. ઉલ્‍લેખનીય છે કે કુલ તાલીમાર્થીઓમાં ૫૦ ટકા ઉપરાંત તાલીમાર્થીઓ મહિલાઓ હોય છે. વિડીયો ફિલ્‍મ, રમતો અને માહિતીના આદાનપ્રદાન દ્વારા તાલીમને વધુ રસપ્રદ બનાવવામાં આવે છે. તાલીમમાં જલપ્‍લાવિત વિસ્‍તારનું મહત્‍વ અને સહભાગીતાથી તેનું વ્‍યવસ્‍થાપન વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. જલપ્‍લાવિત વિસ્‍તાર માટે કયા ભયસ્‍થાનો છે અને તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેના ઉપાયો ચર્ચા વિચારણા બાદ ગામલોકો જ સૂચવે છે. ઘણા ગામોની ખેતી ગામના તળાવ કે સરોવર પર આધારિત હોય છે તે મુદ્દાને ધ્‍યાને લઈ ખેતીની સાથોસાથ પોતાના જલપ્‍લાવિત વિસ્‍તારને કેવી રીતે જતન કરવું જોઈએ તે વિશે તાલીમમાં માહિતી આપવામાં આવે છે. તાલીમના જ ભાગરૂપે તાલીમાર્થીઓ પોતાના ગામના તળાવ કે સરોવરની મુલાકાત લે છે અને તળાવની ઉપયોગિતા, પ્રદૂષણ, પશુ-પક્ષીઓ માટે તળાવનું મહત્‍વ તથા તેના વ્‍યવસ્‍થાપન માટે કેવા પગલા લઈ શકાય તેની ચર્ચા કરી ઉપાયો શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

Image

ગુજરાત ઈકોલોજી કમીશનના સભ્‍ય સચિવ ડો. એ. કે. વર્મા ક્ષમતાવર્ધન તાલીમો વિશે પોતાનો મંતવ્‍ય આપતા જણાવે છે કે, “જળપ્‍લાવિત વિસ્‍તાર વ્‍યવસ્‍થાપન અભિયાન દ્વારા લોકસમુદાયોમાં માહિતીનો અભાવ દૂર કરી તેઓને જળપ્‍લાવિત વિસ્‍તારોના વ્‍યવસ્‍થાપનમાં સ્‍વનિર્ભર કરવાનો મુખ્‍ય ઉદ્દેશ છે. ગામ લોકો પોતાની સમસ્‍યાઓ જાણી તેના ઉકેલ શોધી તે દિશામાં કામ કરે તે જરૂરી છે. ખેતી માટે જલપ્‍લાવિત વિસ્‍તારોનો સુચારૂ ઉપયોગ લાંબાગાળાના આયોજનમાં થઈ શકે તે રીતે તાલીમોનું આયોજન કરવામાં આવે છે.”

Advertisements